Close

    Latest News

    ભૂગોળ

    બારડોલીનું ભૌગોલિક સ્થાન ૨૧.૧૨° N ૭૩.૧૨° E છે. [૨] સમુદ્રની સપાટીએથી બારડોલીની સરેરાશ ઉંચાઇ ૨૨ મીટર (૭૨ ફુટ ) છે.

    ઇતિહાસ

    બારડોલી નગર ઐતિહાસિક નગર છે. સ્વાતંત્રતાના ઇતિહાસમાં આ નગરનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે. આ નગરનો પ્રાચીન ઇતિહાસ કોઈ પણ પુસ્તકમાં ઉપલબ્ધ નથી. પરંતુ બારડોલી નજીકમાં આવેલ કેદારેશ્વરના પ્રાચીન ઇતિહાસ સાથે બારડોલી સંકળાયેલું છે. હાલની મીંઢોળા નદી પ્રાચીનકાળમાં મંદાકીની નદી તરીકે ઓળખાતી હતી. તેમાં પ્રચંડ પૂર આવવાથી પ્રાચીન નગર કેદારેશ્વર નગરનો નાશ થયો અને લોકોએ સ્થળાંતર કરી બાળાદેવી મંદિર આગળના ઉચાણવાળા ભાગમાં જઈ વસવાટ કર્યો હતો. વખત જતા આ સ્થળનું નામ બાળાદેવી પરથી બારડોલી થયું તેવી લોકવાયકા છે

    પ્રાચીન સમયથી મરાઠા રાજ્યના ઉદય સુધી બારડોલી ગામનું કશું મહત્વ ન હતું. સરભોણ તથા વાલોડમાં આવેલી વહીવટી કચેરીઓ દ્વારા પ્રાદેશિક વિસ્તારનું સંચાલન થતું હતું. વિક્રમ સંવત ૧૯૫૬માં જ્યારે દુકાળ પડ્યો, જે આજે પણ છપ્પનીયો દુકાળ તરીકે જાણીતો છે. એ દુકાળમાં રાહતના પગલા ભરવા માટે બ્રિટીશ સરકારે સુરત – ભુસાવળ રેલ્વે લાઈન નાંખવાનું કામ હાથ ધર્યું ત્યારે રેલ્વે એ પોતાના વહીવટી તંત્ર માટે બારડોલીની પસંદગી કરી હતી. ત્યારબાદ જ આ બારડોલી નગર પ્રકાશમાં આવ્યું અને સતત પ્રગતિ કરતું રહ્યું